મોરબી: ગુજરાત રાજ્યમાં જ્યાં પણ કેનાલથી લીફ્ટ ઇરીગેશન થઈ રહ્યું છે ત્યા દરેક ખેડૂતને તાત્કાલિક સિંચાઇ માટેનું ઈલેક્ટ્રીક કનેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલ ડેમોની કેનાલ દ્વારા જે પહેલા ગ્રેવિટીથી સિચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હાલમાં ઘણી કેનાલોને લીફ્ટ સિંચાઈ માટે ફેરવવામાં આવેલ છે. જેના કારણે હાલમાં ખેડૂતોને મોંઘા ભાવનું ડીઝલ વાપરીને પોતાની ખેતી માટે લીફ્ટ ઈરીગેશન કરવું પડી રહ્યું છે. જે પહેલા પોતાના ખેતરમાં મફતમાં પાણી આવતું હતું તેની જગ્યાએ હવે ખુબ જ મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે.
આની સામે જો કોઈ ખેડૂતો ખેતી માટેનું ઇલેક્ટ્રિક કનેકશન માંગે છે. તો તેની પાસે કુવો અથવા બોર કરાવવાની શરત મુકવામાં આવે છે. જયારે પાણી કેનાલનું લેવાનું હોય તો કુવો કે બોરનો આગ્રહ શા માટે? ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં પણ કેનાલથી લીફ્ટ ઈરીગેશન થઇ રહ્યું છે ત્યાં દરેક ખેડૂતો ને તાત્કાલિક સિંચાઈ માટેનું ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવે અને તે પણ ૨૪ કલાક પાવર રહે તેવું કારણકે કેનાલમાં તો પાણી ૨૪ કલાક ચાલતું હોય છે. તેથી તાત્કાલિક ઇલેક્ટ્રિક કનેક્શન આપવા માટેનો નિર્ણય લઈને તેની જાહેરાત તથા ઓર્ડરો તાત્કાલિક કરવામાં આવે તેવી કાંતીલાલ ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરવામા આવી છે.