9-10 ફેબુઆરીએ યોજાનાર અર્બન-20 બેઠકની તડામાર તૈયારી
અમદાવાદ
દેશમાં પહેલીવાર અમદાવાદમાં આગામી મહિને અર્બન-20 અંતર્ગત શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ સંદર્ભમાં 8 ફેબ્રુઆરીથી વિદેશી ડેલિગેટ્સનું અમદાવાદ ખાતે આગમન થશે અને 9 અને 10 ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાશે. વિદેશી ડેલિગેટ્સના સ્વાગત માટે તથા સમગ્ર બેઠક દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા વિવિધ પર્ફોમન્સ પણ યોજાશે. જેમાં ખાસ કરીને નર્મદાષ્ટકમ પર આધારિત નૃત્ય, પઢાર મંજીરા રાસ, સીદી ધમાલ નૃત્ય તથા વિવિધ રાગ પર આધારિત ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પર્ફોમન્સ રજૂ થશે. કાંકરિયા ખાતે યોજાનાર ગાલા ડિનર દરમિયાન જાણીતા ફ્લૂટ આર્ટીસ્ટ આલાપ દેસાઈ પર્ફોમ કરશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ રાગ પર આધારિત ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક રજૂ થશે. સાથે જ 9 ફેબ્રુઆરીના રોજ રાસ, ગરબા તથા કચ્છી ઘોડી, દીવા ડાન્સ અને મણિયારો રાસ સહિતના કાર્યક્રમો પણ રજૂ થશે.
જી-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપ અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. તથા જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સિટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.