– વન વિભાગ દ્વારા કરવામાં આવેલી 5મી વૃક્ષ ગણતરી અનુસાર રાજ્યમાં 39.75 કરોડ વૃક્ષ
અમદાવાદ
અમદાવાદમાં આગામી મહિને યોજાના અર્બન-20 (U-20) બેઠકની મુખ્ય 6 પ્રાથમિકતાઓમાં ક્લાઇમેટ ફાયનાન્સની સાથે પર્યાવરણના જતનનો પણ સમાવેશ થાય છે. રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવેલી 5મી વૃક્ષ ગણતરી અનુસાર રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 14.65 કરોડનો વધારો થયો છે. આ ગણતરીના તારણો મુજબ રાજ્યમાં વૃક્ષોની સંખ્યા 39.75 કરોડ છે. 2021માં કરવામાં આવેલી મોજણી મુજબ રાજ્યમાં સૌથી વધારે વૃક્ષ આણંદ જિલ્લામાં આવેલા છે. રાજ્યમાં ટ્રી કવરનું પ્રમાણ 2001માં 2.06 ટકાથી વધીને 2019માં 6.11 ટકા થયું છે. જ્યારે ગ્રીન કવરની દૃષ્ટિએ જોઈએ તો રાજ્યમાં ગ્રીન કવરનું પ્રમાણ 11.52 ટકા છે. જેનું એક મોટું કારણ મોટો રણ પ્રદેશ પણ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં વન વિસ્તારમાં 2950 ચોરસ કિમીનો વધારો થયો છે. 1991માં 11,907 ચો.કિમી વન વિસ્તાર હતો જે વન વિભાગના પ્રયાસોને કારણે 2019માં વધીને 14,857 ચો.કિમી થયો છે. રાજ્યમાં પ્રતિ હેક્ટર દીઠ વૃક્ષોની સંખ્યા 2001માં 2 હતી જે વધીને 2019માં 50 થઈ છે.
અમદાવાદના હાથીજણ નજીક 702 વર્ષ જૂનો વડલો આજે પણ જીવંત
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દોઢ વિઘા વિસ્તારમાં ફેલાયેલો વિશાળ વડલો આવેલો છે. આ વડની ઉમર 702 વર્ષ હોવાનું માનવામાં આવે છે. વડની વડવાઈઓ ફેલાઈ હોવાથી તે ઘેઘૂર બન્યો છે.
અર્બન-20માં ક્લાઇમેટ ફાયનાન્સ પર ફોકસ રહેશે
શહેરોમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન પર નિયંત્રણ માટે પગલાં ભરી શકાય એ હેતુસર અર્બન-20 બેઠકમાં ક્લાઇમેટ ફાયનાન્સ મહત્તની પ્રાથમિકતાઓમાં સામેલ છે. બેઠકમાં ખાસ કરીને કચરાના નિકાલ, જળસ્ત્રોતોનું જતન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા ગ્રીન બિલ્ડિંગ જેવા 6 અર્બન સેક્ટર્સમાં રોકાણ પર જોર રહેશે. આ ક્ષેત્રોમાં 2030 સુધીમાં કુલ વાર્ષિક વૈશ્વિક રોકાણ 2.5 ટ્રીલિયન ડૉલર થઈ જવાનો અંદાજ છે.