સરકાર અને ટ્રસ્ટની જુગલબંધીનું એક આગવું ઉદાહરણ
૮ વર્ષથી ગ્રામ પંચાયત કરે છે સંચાલન, નિયમિત
ચોખ્ખું પાણી મળતા પાણીજન્ય બીમારીઓ પણ નહિવત
વોટર એ.ટી.એમ ? સાંભળતા જરા નવાઈ લાગે ને ! હા પૈસા ઉપાડવામાં કામ લાગતા એ.ટી.એમ. મશીન જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે નેકનામ ગામના વોટર સ્પલાય સિસ્ટમમાં જ્યાં એક રૂપિયો નાખતા ૮ લીટર પાણી મળે એ પણ ફિલ્ટર કરેલું બિલ્કુલ ચોખ્ખું પાણી.
શહેરોની સાથે ગામડાઓનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં રસ્તાઓ, શાળા, પાણી વગેરે જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરવા માટે માદરે વતન, સી.એસ.આર. સહિતના અભિગમ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, એન.જી.ઓ., ટ્રસ્ટ, ઉદ્યોગો વગેરેનો પણ સહયોગ લઈને ગામડાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર અને ટ્રસ્ટની સંયુક્ત કામગીરીનું એક આગવું ઉદાહરણ છે મોરબી જિલ્લાના નેકનામ ગામનું વોટર એ.ટી.એમ.
મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલું નેકનામ ગામ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલું છે. અંદાજીત ૪ હજારથી વધુની વસ્તી ધરાવતા નેકનામ ગામમાં આજથી લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામના અગ્રણીશ્રી દ્વારા ગ્રામ પંચાયતને આ વોટર એ.ટી.એમ. અર્પણ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા અવિરતપણે આ વોટર એ.ટી.એમ.નું યોગ્ય સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો આ સુવિધાનો ખૂબ સારી રીતે લાભ મેળવી રહ્યા છે.
ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈનની મદદથી નર્મદાનું પાણી એક કુવામાં ઠાલવવામાં આવે છે. આ કુવાનું પાણી વોટર ફિલ્ટર સુધી લાવવામાં આવે છે જ્યાં આ પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટર દર કલાકે ૮૦૦ થી ૧૦૦૦ હજાર લીટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાંથી આ પાણી વોટર એ.ટી.એમ. સિસ્ટમમાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો ૧ રૂપિયો નાખી સરળતાથી પાણી મેળવી શકે છે. વોટર એ.ટી.એમ. થકી લોકોને નજીવા દરે ચોખ્ખું પાણી નિયમિત પણે મળી રહે છે. પાણી સાવ મફતમાં ન મળતું હોવાથી લોકો પાણીની કિંમત સમજે છે જેથી પાણીનો નહિવત બગાડ થાય છે અને ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગ થવાની પણ સંભાવનાઓ નહિવત થઈ જાય છે.
વોટર એ.ટી.એમ. વિશે વાત કરતા ગામના સરપંચશ્રી કનકસિંહ ઝાલા જણાવે છે કે, આજ થી લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતને ગામના અગ્રણી દ્વારા આ ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા સુયોગ્ય રીતે તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગામના લોકોને નજીવા દરે આ વોટર એ.ટી.એમ.ની મદદથી નિયમિત રીતે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રૂપિયા આ વોટર એ.ટી.એમ.માં એકત્ર થાય છે તેનો વોટર એ.ટી.એમ.ના મેન્ટેનેશનમાં ઉપયોગ કરવામાં આવે છે.
વોટર એ.ટી.એમ.ને ઉપયોગી ગણાવતા નેકનામ ગામના દિકરી માધવીબેન જણાવે છે કે, આ વોટર એ.ટી.એમ.નું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વોટર એ.ટી.એમ.માં ૧ રૂપિયો નાખતા ૮ લીટર પાણી મળે છે જે આમ તો મફત જેવું જ કહેવાય. આ ફિલ્ટર પાણી દિવસ-રાત જ્યારે જોઇએ ત્યારે મળી જાય છે. લોકોને પીવા માટે ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગો પણ અમારા ગામમાં નહિવત છે.
શહેરોમાં પણ ક્યાંક ભાગ્યે જોવા મળે તેવી વોટર એ.ટી.એમ.ની સુવિધા મોરબીના આ નેકનામ ગામમાં આવેલી છે, જે ગ્રામ પંચાયતે ખૂબ સારૂ સંચાલન કરી સતત જાળવી રાખી છે. ગ્રામજનોની સુવિધામાં વધારો કરતી આ માળખાગત સવલત પરથી અન્ય ગામોએ પણ તેને મોડલ બનાવી અપનાવવી જોઇએ.