મોરબી જિલ્લામાં ૮ વર્ષમાં ૯૦ હજાર જેટલી મહિલાઓને માર્ગદર્શન અને બચાવ તથા ૪.૫ હજારથી વધુ મહિલાઓને રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલરની સુવિધા અપાઈ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈનને ૮ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં ૮ વર્ષની સફળ કામગીરીની વાત કરીએ તો જિલ્લામાં ૮ વર્ષ દરમિયાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ ૯૧,૩૭૪ જેટલી મહિલાઓ માટે જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવી છે. ૧૮૧ ‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને ૪૫૫૨ જેટલી મહિલાઓને મદદ પુરી પાડવામાં આવી છે.
વર્ષ ૨૦૨૨માં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૬૬૯ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૪૨૩ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૨૪૨ જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવવામાં આવી હતી.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે. માત્ર ૦૮ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૩૭,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. અને ૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુવાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી હતી.
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
– મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપવામાં આવે છે.
– ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પલાઈન કાર્યરત છે.
– પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
– મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે:
– ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વગેરેની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા
– જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વગેરે મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધુ જોડણ કરવામાં આવે છે. સાથે જ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
· મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
· શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
· લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
· જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
· કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
· માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
· આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો