Friday, January 24, 2025

રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક સમાન તેમજ ૩ જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા

Advertisement

રાતભર ચાલેલા આ ઓપરેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું અને ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું

રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા તથા જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા મેગા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું

રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા કરાયેલું મેગા સર્ચ ઓપરેશન રાતભર ચાલ્યું

રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગઈ કાલે મોડી સાંજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડ્યા બાદ રાજ્યની ૧૭ જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ સાથે તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. રાતભર ચાલેલા આ ઓપરેશનની પળે પળની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળવી સતત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજયની મહત્વની જેલો પૈકી સાબરમતી જેલ (અમદાવાદ), વડોદરા જેલ, રાજકોટ જેલ અને લોજપોર જેલ (સુરત) મળી ૪ મધ્યસ્થ જેલ ઉપરાંત ૧૧ જીલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ ૧૭ જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી ઓચિંતી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રીના સીધા સુપરવિઝન હેઠળ રાત્રે તમામ જેલોમાં એક સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે પૈકી મોટી જેલોમાં સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. રાજયની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની આ મુહીમ અંતર્ગત સમગ્ર મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક વસ્તુઓ, ૫૧૯ ધુમ્રપાનને લગતી વસ્તુઓ અને ૩ માદક પદાર્થો મળી આવ્યા છે.

નોંધનીય બાબત છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય. તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરતા હોય ને પળે પળની ઓપરેશન સંબંધિત અપડેટ મેળવતા હોય. એટલું જ નહિ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હોય.

રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા માટે કડક કામગીરી હાથ ધરવા ઉપરાંત રાજ્યની તમામ જેલોમાં માનવ ગરિમા જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાનું સુચારુ પાલન થાય તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા આ મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન માનવીય અભિગમ રાખી કેદીઓ સાથે વાર્તાલાપ કરી પોલીસની ટીમો દ્વારા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW