Wednesday, January 22, 2025

ટંકારા તાલુકાના ૯ પાસ યુવા ખેડૂતે આગવા કૌશલ્ય થકી માન.રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સન્માન મેળવ્યું

Advertisement

મોરબી જિલ્લાના ખેડૂતે કોઠાસૂઝથી યુનિક દાંતી કમ રાપ બનાવી રાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ મેળવ્યો

સરકાર દ્વારા ઈનોવેટિવ કામગીરી કરતા અમારા જેવા
લોકોને પુરો સહકાર અને પ્રોત્સાહન મળી રહે છે-
પ્રગતિશીલ ખેડૂત રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢી

સરકાર દ્વારા ઈનોવેટીવ આઈડિયા ધરાવતા લોકોને પ્રોત્સાહન આપવાના વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. કંઈક નવીન કરવાની દિશામાં આગવા કૌશલ્ય દાખવી રહેલા લોકો અને ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ સહાય પણ આપવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સરાયા ગામના વતની અને ૯માં ધોરણ સુધી ભણેલા રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢીએ પોતાની આગવા કૌશલ્ય અને કોઠાસૂઝથી વિવિધ પ્રકારના સાંતી બનાવ્યા છે જે ખેડને બિલકુલ સરળ બનાવે છે. તેમના બનાવેલા સાંતી કમ રાપના આઇડિયાને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢી જણાવે છે કે, ખેતીને સાથે હું થોડા અંશે ફેબ્રિકેશનનું કામ પણ કરું છું. ખેતીની સાથે મને વિચાર આવ્યો કે, ખેતીની લગતા સાધનો પણ બનાવું. ત્યાર બાદ મેં ઘણા બધા એવા સાધનો બનાવ્યા છે જે ખેતીને સરળ બનાવી શકે. મેં ટ્રેક્ટરના ભંગારમાંથી એવું મશિન બનાવ્યું છે જેનાથી ઉભા મોલને નુકશાન થતું નથી અને આ મશીનની જ મદદથી સરળતાથી દવાનો છંટકાવ પણ કરી શકાય છે. બે – ત્રણ પ્રકારના સાંતી પણ બનાવ્યા છે જેની મદદથી દાંતી અને રાપ કાઢવાની તથા ઢેંફા ભાંગવાની કામગીરી એક સાથે કરી શકાય છે.

આજના સમયે ખેતરો નાના થતા જાય છે ત્યારે ફરી ફરીને રાપ કે સાંતી કે ઢેંફા ભાંગવા માટે થાંભલો લગાડવા માટે સમય તથા ડિઝલનો બગાડ થાય છે. ત્યારે મેં ખેડૂતોને પડતી આ મુશ્કેલીનો વિચાર કરીને આ પ્રકારની સાંતી બનાવી છે. જેની નોંધ લઈને મને ઈનોવેશન ફાઉન્ડેશન-ઈન્ડિયા દ્વારા ૬૦ હજારની સહાય આપવામાં આવી હતી. ત્યાર બાદ મને મારી કૃતિ સાથે દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. જયાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી ૧૧મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી હતી. મને આ કક્ષાએ પહોંચવામાં મારા પિતા, પરિવાર અને ઈનોવેશન ફાઉન્ડેશન-ઈન્ડિયાનો પુરો સહાકાર મળ્યો છે. સરકાર દ્વારા આવી રીતે કઈંક યુનિક અને પ્રેરણાદાયક કામગીરી કરતા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેથી મારા જેવા લોકોને પુરો સહકાર અને પ્રોત્સાહન મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સરાયા ગામના વતની અને ૯માં ધોરણ સુધી ભણેલા રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢીએ બનાવેલ દાંતી કમ રાપ ની કૃતિ દિલ્હી ખાતે માનનિય રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી ૧૧ મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી છે. તેમણે કોઠાસુઝથી બનાવેલી આ કૃતિ દેશ ભરમાંથી આવેલી ૧૩૦ કૃતિઓમાંથી ટોપ ૨૫ કૃતિમા સ્થાન મેળવનાર ગુજરાત રાજયમાં એક માત્ર કૃતિ છે.

રજનીકાંત રાઘવજીભાઈ ઢેઢીએ બનાવેલ સાંતીથી એક સાથે બે કામ થાય છે તેમજ રાંપ અને દાંતા બદલવાની માથાકૂટથી ખેડૂતોને રાહત મળે છે. આમ, આ સાંતીથી ડિઝલ, સમય અને શ્રમની બચત થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ સાંતીમાં દાંતા લગાવ્યા હોય અને એનું કામ પુરૂ થાય ત્યારે રાપ લગાવવી હોય તો સૌ પ્રથમ દાંતાને ખોલવા પડે છે અને પછી રાપ લાગે છે. જ્યારે રજનીકાંતભાઇએ બનાવેલ સાંતીમા એક સાથે રાંપ અને દાંતા લાગી જાય છે. જેમાં ખેડૂતો ગણતરીની સેકન્ડોમાં જ રાપ અને દાંતા બદલી શકે છે. આ ઉપરાંત ઢેફા ભાંગવાનો પાટો પણ સાથે લાગી જાય છે. આ કારણે એક સાથે બે કામ થાય છે અને ડિઝલ અને સમયની બચત થાય છે. સરાયા ખાતે રજનીકાંત પટેલ ૧૦ વીઘા જમીનમાં ખેતી કરે છે. આ સાથે ફેબ્રીકેશન એન્ડ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોખંડના ખાટલા, ઘોડીયા તેમજ ખેતીના વિવિધ ઓજારો બનાવવાનું કામ પણ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW