સાંસદશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી
સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
સાંસદશ્રીએ બેઠકમાં મોરબી જિલ્લાના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના, જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. પ્રાદેશિક વાહન વ્યવહાર, ફોરેસ્ટ વિભાગ સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રાજાશાહી વખતની ઇમારતો જર્જરીત થઈ ગઈ હોય તેનો નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આંગણવાડીના ખૂટતા મકાનો માટે ઝુંબેશ ઉપાડી જે- તે ગામના સરપંચશ્રીઓ સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. આ બેઠકમાં ટંકારા પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ કુપોષિત બાળકોની વધુમાં વધુ સારસંભાળ લેવા જરૂરી સુચનો કર્યા હતા. વધુમાં રોડ-રસ્તાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા, લોકો પ્રત્યે સંવેદના દાખવી તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, ટંકારા પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. જાડેજા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન. એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહીલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી. સી. પરમાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શેરસીયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.