રાજકોટ પોલીસ હેડક્વાર્ટર અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના મળી કુલ ૧૫૨ નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રી કરાવશે
મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ અને મોરબી પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રી બેઠક કરશે
ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ વેગવંતી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તા.૧૮-૫-૨૦૨૩ના રોજ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આ બંને જિલ્લામાં નવીન પોલીસ આવાસોનું તેમજ મોરબીના નવનિર્મિત એસ.ટી સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોની સેવામાં ખુલ્લું મૂકશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. ૫૪૩ લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સભ્યોશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
લોકાર્પણ સમારોહ બાદ ગૃહ રાજ્ય મંત્રીશ્રી મોરબીના લીલાપર ખાતે મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે ઉદ્યોગના નાણાકીય વ્યવહારની સલામતી અને સુરક્ષા અંગે સવિશેષ સંવાદ કરશે. તદુપરાંત પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી ખાતે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રી બેઠક કરશે.
વધુમાં, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી-કક્ષાના ૮૦ અને સી-કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું લોકાર્પણ પણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે.