ખેડૂતો પાસેથી સસ્તાભાવે વરિયાળી ખરીદી કેમિકલ અને પાવડર મિક્સ કરી વેચતો હોવાનું ખુલ્યું
મોરબી: મોરબી એલસીબી ટીમે
હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી વેચાણ કરવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી રૂપિયા 1,12,82,150નો જંગી જથ્થો કબ્જે કરી હળવદથી અન્ય રાજ્યોમાં વરિયાળી મોકલવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું.
વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ નંબર 3 અને 4મા આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી આરોપી હીતેશભાઇ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ, ઉ.36, રહે. હાલ હળવદ વસંતપાર્ક સોસાયટી, કિશોરભાઇ ઠકકરના મકાનમાં, મુળ રહે. મકાન નંબર- 15/41 પેલા માળે વસુન્ધા એરીયા ગાજીયાબાદ (ઉતર પ્રદેશ) વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સ માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી ખેડૂતો પાસેથી ખરીદી બાદમાં પાવડર તેમજ કેમિકલ ભેળવી અન્ય રાજ્યોમાં પેકિંગ કરી વેચતો હોવાનું કબુલ્યું હતું.
દરોડા દરમિયાન એલસીબી ટીમે કેમીકલ યુકત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી 49,130 કિલોગ્રામ કિંમત રૂપિયા 1,00,71,650 તેમજ સાદી વરીયાળી 6400 કિલોગ્રામ કિંમત રૂપિયા 10,24 હજાર, કેમીકલયુકત અલગ અલગ કલરનો પાવડર 3025 કિલોગ્રામ કિંમત રૂપિયા 1,81,000, મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 1,12, 82,150નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.