Saturday, January 11, 2025

મોરબીના ખેડૂતે કરી પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી

Advertisement

પ્રાકૃતિક ખેતીથી લીંબુનો પાક લઈ ૧ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે રમેશભાઇ કામરીયા

“પ્રાકૃતિક ખેતી થકી જમીનની નિતારશક્તિ વધી અને ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી છે, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી વિજળી ખર્ચમાં પણ બચત થઇ” – રમેશભાઇ રતીલાલ કામરીયા

સરકારશ્રી દ્વારા ખેડૂતોની જમીનને બંજર બનતી અટકાવવા માટે તથા ખેડૂતોના લાંબા ગાળાના ફાયદાને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી પર ભાર આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સેમીનાર અને કાર્યક્રમો થકી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શુધ્ધ અનાજ, શાકભાજી, ફળ વગેરે પાકનું ઉત્પાદન કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી થકી લીંબુની સફળ ખેતી કરતા મોરબીના કાલીકાનગરના રમેશભાઇ રતીલાલ કામરીયા જણાવે છે કે, “અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં વધારે ઉત્પાદન મળતું પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. આવા સમયમા ૭-૮ વર્ષ પહેલા અમે બાગાયતી પાક વાવેતર કરવાનુ વિચાર્યુ અને ઘરના તમામ સભ્યો દ્વારા લીંબુનું વાવેતર કરવાનુ નક્કી કર્યુ.

લીંબુનું વાવેતર કર્યું અને ત્યારબાદ તેમાં પણ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો. ત્યારબાદ હું આજથી ૪ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને જુદી જુદી તાલીમમાં પણ ભાગ લેતો થયો. જે અન્વયે અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જ્યાં મેં યોગ્ય માર્ગદર્શન મેળવ્યુ અને આજે હું ૬ એકર જમીનમાંથી ૪ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું. જ્યારે પરંપરાગત રીતે ખેતી કરતો ત્યારે રૂ. ૧,૪૪,૦૦૦ ની આવક સામે રૂ. ૬૦૦૦૦ નો ખર્ચ થતો જેથી રૂ. ૮૪૦૦૦ નો જ નફો થતો. આજે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી આવક વધીને ૧,૫૫,૦૦૦ થઈ છે સામે ખર્ચ ઘટીને રૂ. ૪૮,૦૦૦ થઈ ગયો છે. જેથી રૂ. ૧,૦૨,૦૦૦ નો નફો મેળવી રહ્યો છું.

શરૂઆતમાં જીવામૃતનો ઉપયોગ ચાલુ કરી ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. લીંબુના પાકની વચ્ચે કોથમીર તથા અન્ય કઠોળ પાકનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. પરિણામે સિંગલ પાક કરતા આ રીતમા આવક વધારે મળવા લાગી. હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિનઉપજાઊ બની ગઈ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી. જમીનમા અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી છે, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી વીજળી ખર્ચમાં પણ બચત થઇ.

ઉત્પાદન વેચાણ માટે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધું ગ્રાહકને વેચાણ કરું છુ. પ્રાકૃતિક ખેતીનો પાક હોવાથી ગ્રાહકો સામેથી આવીને માલ લઈ જાય છે અને વધારાનું ઉત્પાદન ઓપન માર્કેટમા વેચું છુ. આમ, પ્રાકૃતિક કૃષિમા ખર્ચ ઘટવાથી આવક તો વધારે મળે જ છે પણ જમીન સુધરે છે અને ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણનું રક્ષણ થાય છે અને શુધ્ધ આહાર ખાવા માટે મળે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW