આ વર્ષે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે અને હીટ વેવની અસર પણ વર્તાઈ રહી છે. ત્યારે આ હીટ વેવની સીધી અસર તમામ જીવ સૃષ્ટિને થાય છે, જેથી માણસોની સાથે પશુ-પંખીઓ માટે પણ યોગ્ય પગલા લેવાય તે જરૂરી છે.
પશુને હીટ વેવની અસરથી બચાવવા માટે પ્રાણીઓને છાંયડામાં રાખવા જોઈએ અને તેમને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં સ્વચ્છ અને ઠંડુ પાણી આપવું જોઈએ. સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યાની વચ્ચે પ્રાણીઓ પાસેથી કામ લેવું ન જોઈએ. શેડની છતને ઢાંકી દેવી જોઈએ અથવા છાણ-કાદવથી પ્લાસ્ટર કરવું જોઈએ. શેડમાં પંખા, વોટર સ્પ્રે અને ફોગર્સનો ઉપયોગ કરવો જોઈએ. અતિ ગરમી દરમિયાન પાણીનો છંટકાવ કરવો જોઈએ અને ઢોરને ઠંડક માટે જળાશયમાં લઈ જવા જોઈએ. પ્રાણીઓને લીલું ઘાસ, પ્રોટીન-ચરબીયુક્ત આહાર આપવો જરૂરી છે અને ઠંડા કલાકો દરમિયાન ચરાવવા લઈ જવા જોઈએ. મરઘાઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા અને ખવડાવવાનું ટાળવું જોઈએ.