મંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને તાકીદ કરી
સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વાયોજન રૂપે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લઈ સ્થિતિ તથા વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો.
મંત્રીશ્રીએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિત તથા તેને અનુરૂપ કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી અધિકારીઓને વિવિધ સુચનો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોર્ટ ઓફિસરને મળી ત્યાની વ્યવસ્થાઓ અંગેની માહિતી મેળવી હતી.
જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા હળવદ – માળીયા પ્રાંત અધિકારીશ્રીને સંભવિત આફતને પહોંચી વળવા અને આ વિસ્તારમાં ઓછામા ઓછું નુકશાન થાય તે જોવા તેમજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ વ્યક્તિ રહે નહી તે માટે યોગ્ય કરવા તાકીદ કરી હતી. ઉપરાંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા અને નાગરિકોની સલામતી સુનિશ્વિત કરવા પોલીસ અધિક્ષકશ્રીને જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે મોરબી પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, નાયબ વન સંરક્ષકશ્રી ચીરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા