મોરબી જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવાયું
છે કે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉદ્ભવેલ ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ચક્રવાતી તોફાન તીવ્ર બને તેવી શક્યતા હોવાથી, હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડા અન્વયે અગમચેતી રૂપે અસરગ્રસ્ત વિસ્તારો માટે સૂચનાઓ પ્રસારિત કરેલ હતી.
દરિયાકાંઠા વિસ્તારો માટે અતિ ભયસૂચક સિગ્નલ નં. ૧૦ જાહેર કરવામાં આવેલ હતું. મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખૂબ ભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાવાની તથા ઉંચા દરિયાઈ મોજા ઉછળવાની શક્યતા હોવાથી આ સમયે મોરબી જિલ્લાના દરિયા કિનારા વિસ્તારોમાં ભારે વરસાદ/ચક્રવાત અને હાઈટાઈડ ભરતીના મોજાથી જાનમાલને થતું નુકશાન અટકાવવા માટે અગમચેતીના પગલા લેવા જરૂરી હતા. જેથી તા. ૧૨-૦૬-૨૦૨૩ થી આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
ભારત સરકારના હવામાન કેન્દ્ર, અમદાવાદના તા. ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ સાંજે ૬ કલાકે પ્રસિદ્ધ થયેલ વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ ‘બિપરજોય’ ચક્રવાત તા.૧૬ ના રોજ બપોર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છથી ઉતર-પૂર્વ તરફ ધોળાવીરાથી ૨૦ કિમી પશ્ચિમે અને ભુજથી ઉત્તરપૂર્વે ૮૦ કિમી લેટીટ્યુડ ૨૩.૯ N અને લોંગીટ્યુડ ૭૦.૦ E પર કેન્દ્રિત છે તથા ચક્રવાત લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધી ટૂંક સમયમાં ડીપ ડીપ્રેશનમાં તબદીલ થવાની સંભાવના હોય જેથી મોરબી જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડ્યા દ્વારા કાયદાની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂ એ જાહેરનામાંથી મુકવામાં આવેલ પ્રતિબંધો તા.૧૬-૦૬-૨૦૨૩ જૂનના રોજ સાંજે ૭ કલાકે તાત્કાલિક અસરથી દુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે