જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી બી.એસ. ગઢવીએ જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લાની તમામ સંસ્થાઓની કામગીરીની સરાહના કરી
જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સમગ્ર જિલ્લાની સંસ્થાઓ, નાગરિકો વગેરે દ્વારા કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા જિલ્લાના તમામ વિભાગો દ્વારા બિપરજોય વાવાઝોડા અન્વયે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ, વાવાઝોડા દરમિયાન કરેલી કામગીરી તેમજ વાવાઝોડા બાદ લેવામાં આવેલા પગલાં વગેરે વિશેની માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાની સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, મંદિર, ટ્રસ્ટ, સેવાભાવી લોકો વગેરે દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી.
કલેકટરશ્રીએ શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ અને જિલ્લાની તમામ સંસ્થાઓ અને સર્વે નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી બી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન જિલ્લામાં ખૂબ જ સેન્સેટીવ રીતે કામગીરી થઈ છે. અધિકારી / કર્મચારીઓએ પ્રજાવત્સલ બનીને નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને કામગીરી કરી છે. કુદરતી આફતના આ મોટા સ્વરૂપને તમામ લોકોએ એકજૂથ બની સાવ નાનું બનાવી દીધું હતું. બધાએ સાથે મળી જે સારું સુપરવિઝન કર્યું, પૂર્વ તૈયારીઓ કરી તેના કારણે જિલ્લામાં નહિવત નુકશાન થયું છે. જેથી શ્રી બી.એસ. ગઢવીએ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લાની તમામ સંસ્થાઓની કામગીરીની સરાહના કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી બી.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતા દવે, પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઈજનેરશ્રી હિતેષભાઈ આદ્રોજા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેરશ્રી એ.એન.ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા સહિતના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.