Saturday, January 11, 2025

મોરબી: આજ થી ગૌરીવ્રત (મોળાક્રત) નો પ્રારંભ જાણો વ્રત ના મહિમા વિશે

Advertisement

અષાઢ મહિનો એટલે તો વ્રત , તપ અને જપનો મહિનો. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. જ્યારે, અષાઢ સુદ તેરસથી થાય છે જયા પાર્વતી વ્રતની શરૂઆત. ગૌરીવ્રત કુમારિકાઓ, જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. ત્યારે આવો આજે જાણીએ આ વ્રતોનો મહિમા.

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. આમ તો આજે ગૌરી વ્રતમાં જ જવારા પૂજન કરવામાં આવે છે. પરંતુ, મૂળે તો, બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા છે.

માતા પાર્વતીજીનું પ્રતિક જવારા !
અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો. જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે. આ જવારા એ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે !

*કેમ અર્પણ થાય છે નાગલા ?*
રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. અને આ રીતે જવારાને નાગલા અર્પણ કર્યા બાદ જ બંન્નેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે.

*વ્રત મહિમા*
જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જવારા, નાગલા અને પૂજાપાને એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે. જવારાને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચાર પૂજા કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. ગૌરીવ્રતમાં મોટાભાગે બાળાઓ ઘરમાં જ પૂજા કરી માને પ્રસન્ન કરે છે. પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડી ધાનની વાવણી કરે છે

પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોળાવ્રત કે મોળાકત વ્રત કહેવામાં આવે છે.

વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરીવ્રતમાં બાળાઓને, જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.

ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.

(શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે મોરબી)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW