ગઈ કાલે સાંજે ૪.૧૫ કલાકે ટંકારા પાસે આવેલ રામદેવ પીર મંદિર આશ્રમમાં મહંત શ્રી કુંવરદાસ બાપુ તથા મુખ્ય વક્તા વિજયભાઈ રાવલ તથા ટંકારા તાલુકાના શિક્ષક ભાઇઓ બહેનોની ઉપસ્થિતિમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆત મહંતશ્રી ના હસ્તે દિપ પ્રાગટય કરી સંગઠન મંત્રના જ્ઞાન દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્ય વક્તા આર્યસમાજ મોરબી ટ્રસ્ટી અને સહમંત્રી વિજયભાઈ મુળશંકર રાવલે ગુરુ સ્વરૂપે ઈશ્વર, માતા પિતા, શિક્ષક, ધર્મગુરુનો સ્વીકાર કરવો, સાંપ્રત સમયમાં શિક્ષકનું વ્યક્તિના જીવન ઘડતરમાં શું સ્થાન છે ?તેની વિસ્તૃત ચર્ચા કરી હતી, ચાણક્યના કહેવા મુજબ ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ તથા ‘મુજે સમાજ ઓર રાષ્ટ્ર કે બારે મે સોચના હૈ’ આ પ્રકારે સંપૂર્ણ સમાજને દિશા આપનાર ખરેખર તો શિક્ષણ જગત તથા માતૃશક્તિ છે તેમ જણાવેલ. વિશેષમાં શારીરિક, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે વિષયો પર શક્ય તેટલો ભાર મૂકી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ થાય તો વિશ્વ ગુરુ બની શકાય.તેની ચર્ચા મુખ્ય વક્તા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ટંકારા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી રાખવામાં આવેલ, જેમાં ટંકારા તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ડી.જે.બારૈયા દ્વારા તમામ કારોબારી સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી, શિક્ષકો માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંપ્રત સમયમાં કરવામાં આવેલી કામગીરીની છણાવટ કરી હતી,OPS મેળવવા માટે આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવામાં આવશે ? તેની ચર્ચા કરી હતી, ટંકારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મંત્રીશ્રી, કેળવણી નિરીક્ષક,આચાર્યશ્રી રસિકભાઈ ભાગ્યા દ્વારા સદસ્યતા અભિયાનને વેગવંતુ કઈ રીતે બનાવી શકાય ? તેની વિસ્તૃત ચર્ચા કરી હતી, આચાર્યશ્રી ચેતનભાઇ ભાગ્ય દ્વારા વહીવટી પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય? તેની વાત કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીપર પ્રાથમિક શાળાના આચાર્ય ,બૌદ્ધિક સંભાગના મંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા સંઘના તમામ કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી, અંતમાં અલ્પાહાર કરી સૌ છૂટા પડ્યા હતા.