જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણો દુર કરાયા
સરકારશ્રી દ્વારા મોરબીમાં નેશનલ હાઈવે થી ગાળા સાપર રોડ મંજૂર કરવામાં આવેલ હતો. આ કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે થી ગાળા સાપર રોડ ઉપર ગાળા ગામતળમાં પસાર થતા રસ્તાની બને બાજુ ગામના રહીશો દ્વારા પાકી દિવાલો કરી ઉભા કરવામાં આવેલા દબાણ અવરોધરૂપ હતા. જેથી આ દબાણો જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની રાહાબરી હેઠળ હટાવવામાં આવ્યા હતા.
નેશનલ હાઈવે થી ગાળા સાપર રોડ એકતરફ નેશનલ હાઈવે તેમજ એકતરફ સ્ટેટ હાઈવે ને જોડે છે તેમજ રસ્તાની બને બાજુ સીરામીક ઉધોગને લગતી ફેકટરીઓ બહોળા પ્રમાણમાં આવેલ છે. પરિણામે રસ્તા પર મોટી સંખ્યામાં ભારેખમ વાહનોનો ઘસારો રહે છે. રસ્તા પર ઉભા કરવામાં આવેલ દબાણના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે.
મોરબી તાલુકાના ગાળા ગામે નેશનલ હાઈવે ૮-એ થી સાપર સુધીના ગાળા ગામથી પસાર થતા રોડ પરના આ દબાણ કરનારાઓને નોટીસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવવામાં આવ્યું હતું, તેમ છતાં આ લોકો દ્વારા દબાણ ખુલ્લું કરવામાં ન આવતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર કે.કે. ઘેટીયા તથા મોરબી તાલુકા વિકાસ અધિકારી ડી.એચ. કોટક એમ સંયુકત ટીમ દ્વારા ગાળા ગામ ખાતે દબાણ દુર કરાવવામાં આવ્યું હતું.