મોરબી તાલુકાના નારણકા ગામથી ખેવાળીયા જવાના રસ્તે નાલા બનાવ તથા રસ્તાની બાજુમાં જ ખેડૂતોએ પોતાના લાભાર્થે બનાવેલ ખેત તળાવડા બનાવેલ હોવાથી અકસ્માતનો ભય રહેતી હોવાની નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, નારણકા ગામથી ખેવાળીયા ગામના રસ્તા પર ગામેરી કુવા પાસે, નારણકા તથા ખેવાળીયા ગામના સીમાડે અને ખેવાળીયા ગામ પાસે નાલા બનાવવાની ખાસ જરૂરિયાત છે. તથા ખેવાળીયા ગામના તળાવ પાસે રસ્તાની બાજુમાં ધોવાણ થયેલ હોય અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે. ઉપરાંત ખેવારીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતો દ્વારા નારણકા ગામના રસ્તાની એકદમ નજીક ખેત તળાવડા બનાવેલ છે જે અત્યંત ભયજનક છે. જેમાં હાલ ખેવાળીયા ગામે અકસ્માત થતાં બાઇક સવારનું મૃત્યું થયેલ છે. તેથી ઉપરોક્ત રજૂઆત બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નારણકા ગામથી ખેવાળીયા ગામ સુધી જવાના રસ્તે ત્રણ બેઠાણવાળા કોઝવે આવેલા છે. જેમાં વધુ વરસાદ વરસે તો લોકો તથા વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બને છે. જોકે ગ્રામજનો આ અંગે વાકેફ હોવાથી વરસાદી સમયમાં બેઠાણવાળા કોઝવે પરથી પસાર થવાનું ટાળે છે. આ શિવાય ખેવાળીયા ગામના ખેડૂતોએ બરોબર રસ્તાની બાજુમાં જ પોતાના ખેતર માટે પાણીનો સંગ્રહ રહે તે હેતુથી ઉંડાણવાળા ખેત તળાવડા બનાવેલ છે જે અકસ્માતને નોતરે છે. હાલમાં જ વધુ વરસાદના કારણે કોઝવે નજીક ખેત તળાવડામાં ડૂબી જવાથી એક વ્યકિતનું મોત નિપજ્યું હતું.