આંખ લાલ થવી શું કન્ઝકટીવાઈટીસનો
ઈશારો તો નથી ને ?
હાલ ચોમાસાને કારણે પુરતા સુર્યપ્રકાશના અભાવે અને ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેકટેરીયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે. જેના કારણે રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે સાંપ્રત સમયમાં ઠેક ઠેકાણે આંખના રોગ એટલે કે આંખ આવવાની બિમારી (કન્ઝકટીવાઈટીસ) લોકોમાં જોવા મળી રહી છે.
કન્ઝકટીવાઈટીસમાં આંખ લાલ થવી, ખંજવાળ આવવી, સતત આંખમાંથી પાણી નીકળવું, પ્રકાશથી સંવેદનશીલતા, આંખ બળતી હોવાનો ભાસ, પોંપચા ચોંટી જવા, દુખાવો થવો જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી, છીંક આવવાથી, આંખને કોઈ વસ્તુની એલર્જીના કારણે, ધૂળ રજકરણ-પરાગ રજના કારણે ફેલાય શકે છે.
આંખ આવે ત્યારે બને ત્યાં સુધી આંખોને સ્પર્શ કરવો નહીં, અને જો સ્પર્શ કરો તો તે પહેલાં અને પછી હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ. અન્ય લોકો સાથે નજીકથી સંપર્ક ટાળવો જોઈએ જેથી આ રોગ ફેલાતો અટકાવી શકાય. તમારી વ્યક્તિગત વસ્તુઓનો અન્ય વ્યક્તિને ઉપયોગ કરવા દેવો નહીં. કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તમારે મર્યાદિત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ. કન્ઝકટીવાઈટીસ થયો હોય ત્યારે બહાર જતી વખતે કે અન્ય લોકો સાથે સીધા સંપર્કમાં આવતી વખતે કાળા રંગના ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
ચાલો આંખ આવે ત્યારે કેટલાંક સરળ ઘરેલું ઉપચારની વાત કરીએ તો, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવુ. આ માટે મહત્તમ પાણી પીવું અને તાજા ફળોના રસનું સેવન કરવું જોઈએ. રાહત મેળવવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. આંખમાં થતાં સોજા પર કાકડી મુકવાથી દુઃખાવાથી રાહત મળે છે. ખાસ કરીને આંખ આવે ત્યારે જાતે ડૉક્ટર બની કોઈપણ ટીપા આંખમાં નાખવા જોઈએ નહિ. ડૉક્ટર સાથે પરામર્શ બાદ જ કોઈ પણ ઉપચાર હાથ ધરવો. ઉપરાંત જો લક્ષણો વધુ તીવ્ર જણાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક સાધી તેમની સલાહ લેવી અનિવાર્ય છે.