સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ગામોને સ્વચ્છ રાખવા તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી તેને ડસ્ટીંગ સ્ટેશને લઈ જઈને યોગ્ય નિકાલ કરી શકાય તે હેતુથી મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા એક-એક ટ્રેકટર અને ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજે ૧૦ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા. .જે પૈકી મોરબી તાલુકાના ધનુડા, ટંકારા તાલુકાના છતર, હળવદ તાલુકાના રમણલપુર અને માનગઢ, માળિયા તાલુકાના જુના ઘાટીલા, તરઘરી, કુંતાસી તથા વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, સિંધાવાદર, ભાયાતી જાબુંડિયા એમ મળી કુલ ૧૦ ગ્રામ પંચાયતોના ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલીની ફાળવણી કરવામાં આવી છે.
૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૬૭ લાખ ૫૦ હજારના ખર્ચે મોરબી જિલ્લાના ૧૫ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટોલી ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતો મહાનુભાવોએ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીને ચાવી અર્પણ કરી હતી તેમજ ટ્રેકટર-ટ્રોલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતીયા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત બાળ અને મહિલા સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ પ્રવિણભાઈ સોનગ્રા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, તેમજ જિલ્લા પંચાયતના અન્ય પદાઅધિકારી/ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.