*મુખ્યમંત્રીએ ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરી*
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધાર્યા હતા. જ્યાં તેમણે કબીરધામ, નાની વાવડી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે પરમ પૂજ્યશ્રી મોરારી બાપુના કંઠે આયોજિત રામકથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું.
માનસ શ્રદ્ધાંજલિ કથાના પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવાંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, “એ દુર્ઘટનાના દિવંગતોની મોક્ષ પ્રાપ્તિ માટે આ માનસ શ્રદ્ધાંજલિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું પણ પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રી મોરારી બાપુની ૯૨૪ મી રામ કથા શ્રવણ કરવાનો મને મોકો મળ્યો તે માટે હું ધન્યતા અનુભવ છું. સત્ય પ્રેમ કરુણા અને રામ નામ થકી સૌનું જીવન સાર્થક બને તેવી પણ પ્રાર્થના કરું છું”.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આજે જ્યારે રાજ સત્તા અને ધર્મ સત્તાનો સંગમ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે સ્વપ્ન સાર્થક બને અને ભારત વિશ્વ ગુરુ બને તેવી વ્યાસપીઠ પર હું પ્રાર્થના કરું છું”.
આ પ્રસંગે ભાણદેવજી રચિત મહાભારત પુસ્તકનું પણ મુખ્યમંત્રી તેમજ પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા, કબીરધામના મહંત શિવરામદાસજી મહારાજ, અગ્રણી જયંતીભાઈ ભાડેસીયા, રણછોડભાઈ દલવાડી, દીપિકાબેન સરડવા, યજમાન પરિવારો, નગર શ્રેષ્ઠીઓ અને નગરજનો તેમજ બહોળી સંખ્યામાં કથાના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.