સૌરાષ્ટ્ર ઇગલ્સ ટીમે ઉત્તર પ્રદેશને 35 રને હરાવીને હરિયાણાના DPS પાનીપત શહેરમાં રમાઈ રહેલી ઓલ ઈન્ડિયા અંડર 15 ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રની ટીમે 102 રન બનાવ્યા હતા જેમાં અંશ ભાકરે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા.
માત્ર એક નાનકડો ટાર્ગેટ બચાવવા આવતા સૌરાષ્ટ્રની ટીમના શાનદાર બોલરોએ ઉત્તર પ્રદેશની ટીમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધી હતી અને ઉત્તર પ્રદેશની આખી ટીમ 67 રન બનાવીને 35 રનથી મેચ હારી ગઈ હતી. અંશ ભાકરે શાનદાર પ્રદર્શન કરી પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 30 રન બનાવવા ઉપરાંત 4 મહત્વની વિકેટ પણ લીધી હતી.આ ઉપરાંત રાજવીરસિંહ જાડેજાએ ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. હવે આ ટીમ આવતીકાલે સવારે પંજાબ સામે પ્રથમ સેમીફાઈનલ રમશે.