ગુણવત્તાસભર અનેક વિકાસ કાર્યો થાય તે માટે સરકાર કટિબદ્ધ – કાંતિભાઈ અમૃતિયા
નટરાજ ફાટક પર ૮૦ કરોડના ખર્ચે આકાર લેશે અદ્યતન રેલ્વે ઓવરબ્રિજ
મોરબી ખાતે ૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નટરાજ ફાટક રેલ્વે ઓવરબ્રિજ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકામાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મોરબી નગરપાલિકાના વિવિધ વોર્ડમાં મંજૂર થયેલા સી.સી. રોડના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક ભગીરથ વિકાસ કાર્યો આકાર લઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં અદ્યતન રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ થવા જઇ રહ્યું છે જેના નિર્માણ થકી મોરબીની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને આવનારી પેઢી વર્ષો સુધી આ કાર્યને યાદ રાખશે.
મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો આકાર લઈ રહ્યા છે અને આગામી સમયમાં કરોડોના વિકાસના કામો થાય તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ. તમામ વિકાસ કામો ગુણવત્તા સભર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતિભાઈ કાવડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે મોરબીમાં નિર્માણાધીન ઓવરબ્રિજ થકી મોરબી શહેરને જે નવલું નજરાણું મળવા જઈ રહ્યું છે તેનાથી મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે.
મોરબી શહેરી વિસ્તારમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી વાંકાનેર-મોરબી-નવલખી રેલ્વે લાઈન પર આવેલ LC-31 (નટરાજ ફાટક) પર ૮૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ તથા મોરબી નગરપાલિકા હસ્તક ૧૫માં નાણાંપંચ અન્વયે ૦.૯૩ કરોડના ખર્ચે અવની ચોકડીથી ચકિયા હનુમાનજી મંદિર સુધીના સી.સી. રોડ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૨૫ કરોડના ખર્ચે વોર્ડ નં ૧, ૮, ૯, ૧૦ અને ૧૧માં સી.સી. રોડ (પેકેજ-૧), ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૧૪ કરોડના ખર્ચે વોર્ડ નં ૨, ૩ અને ૪માં સી.સી. રોડનું કામ (પેકેજ-૨) અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે ૦.૨૬ કરોડના ખર્ચે વોર્ડ નં ૫, ૬, ૭, ૧૨ અને ૧૩માં સી.સી. રોડનું કામ (પેકેજ-૩) મળી ૮૧.૫૮ કરોડના વિકાસ કાર્યો નિર્માણ પામનાર છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી નિવાસી અધિક કલેકટર તેમજ મોરબી નગરપાલિકાના વહીવટદાર એન.કે. મુછારે કર્યું હતું. આભારવિધિ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.