હાઇકોર્ટમાં કરવામાં જાહેર હિતની પિટિશન ને પગલે હજારો અગરીયા પરિવારોને રણમાંથી તગેડી મૂકતાં આજીવિકાનો ખોવાનો વારો આવ્યો હતો
ગુજરાતનું કચ્છનું નાનું રણ 5000 ચો. કિમી ક્ષેત્રફળ ધરાવતો સપાટ રણ પ્રદેશ છે જે ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે. ઉપરાંત કચ્છના નાના રણમાં 8000 જેટલા પરંપરાગત અગરીયા પરિવારો મીઠાની ખેતી કરી ગુજરાન ચલાવે છે.
એપ્રિલ 2023માં કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર થવાના મુદ્દે એક જાહેર હિતની અરજી થઈ હતી. આ પિટિશન બાદ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગામેગામ સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોય તે તમામ અગરીયાઓ રણમાં પ્રવેશ કરી શકશે નહીં તેવું જાહેર કર્યું હતું. સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં મોટા ભાગના પરંપરાગત અગરીયાઓનો સમાવેશ ન થયો હોવાથી અગરીયાઓ મોટા પાયે સરકારમાં રજૂઆત કરી હતી. રણકાંઠાના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા થયેલ સઘન રજૂઆત બાદ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ 10 એકર સુધી મીઠું પકવતા અગરીયાઓનું રજીસ્ટ્રેશન કરાવી, મીઠું પકવવાની પરવાનગી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
જોકે સિઝન શરૂ થયા ને બે મહિના થવા આવ્યા છતાં વન વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન બાદ સાંતલપુર અને આડેસર રણ વિસ્તારમાં અગરિયાઓને રણ પ્રવેશ આપવામાં આવ્યો નથી તેથી હજારો લોકોને આજીવિકા ખોવાનો વારો આવ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે, કે ભારતના કુલ મીઠા ઉત્પાદનનો 80% જેટલો હિસ્સો ગુજરાત પકવે છે, અને તેમાં પરંપરાગત અગરીયાઓનો પણ મહત્વનો ફાળો રહેલ છે. કચ્છના નાના રણમાં થતી મીઠાની ખેતી દુનિયામાં સૌથી જૂની પારંપારિક ઉત્પાદન પધ્ધતિમાંની એક પદ્ધતિ છે. જેનું દસ્તાવેજીકરણ દક્ષિણ કોરિયા ખાતે આવેલ સિઓલ મ્યુઝિયમ દ્વારા પણ કરવામાં આવેલ છે.
પરંપરાગત અગરીયાઓના ઉત્કર્ષ માટે એક બાજુ સરકાર દ્વારા રૂ. 300 કરોડ બજેટ ખર્ચી સોલર સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જ્યારે બીજી બાજુ અગરીયાઓને ગેરકાયદેસર ગણીને તેમણે રણની બહાર કાઢવામાં આવ્યા હતા.
હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. જો કોઈ રજૂઆત હોય તો તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સરખા મુદ્દે ચાલતી પિટિશનમાં કરવા કોર્ટે કહ્યું. છેલ્લા કેટલાય મહિનાઓથી નાના અને પરંપરાગત અગરિયાઓ માટે આફત બનેલ આ પિટિશનના નિકાલથી નાના દસ એકર અને પરંપરાગત અગરિયાઓમાં એક નવી આશા બંધાઈ છે કે તેમના રણમાં મીઠું પકવવાના અધિકારોને હવે વન વિભાગ દ્વારા કાયમી માન્યતા આપવામાં આવશે તેમ અગરિયા
હિતરક્ષક મંચ ના પ્રમુખ હરિણેશ પંડયા એ એક અખબાર યાદી માં જણાવ્યું હતું