વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા ; વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા
રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબી તાલુકાના જેતપર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.
આ પ્રસંગે જેતપરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી કે.એસ.અમૃતિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્યાણકારી યોજનાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી જેતપર ગામ પહોંચી છે. વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. આ પ્રસંગે જેઠાભાઈ મિયાત્રાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રી જયંતીભાઈ ગોચિયાને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેતપરના ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી.લાવડીયા, બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાધ્યાય, જેતપર ગામના સરપંચ જયંતીભાઈ ગોચિયા, ઉપસરપંચ મનસુખભાઇ અમૃતિયા, આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.