મોરબી તાલુકાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માંથી ગેસના સિલીન્ડર નંગ-૦૩ કિં.રૂ.૭૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૪૬૦૦/- મળી કુલ રૂ.૧૨,૧૦૦/- નો મુદ્દામાલ ચોરી થયેલ હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭ ના રોજ ફરીયાદ નોંધાઈ હતી તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા એક મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-CQ-3014 વાળાનો ચાલક અશોકભાઈ ગાંડાભાઈ ઉઘરેજા ઉ.વ.૩૨, રહે. વઘાસીયા, તા.વાંકાનેરવાળો પોતાના કબ્જા ભોગવટાવાળા મોટરસાયકલમા બંને સાઇડ એક-એક તથા પાછળ સીટ ઉપર એક એમ ફૂલ-૦૩ સિલીન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા મોટરસાયકલના ઓનર માવજીભાઇ મનજીભાઇ જાદવ વાળા હોય જેથી સઘન પુછપરછ કરતા તેને ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી. આ શખ્સ પાસેથી ચોરાઉ સિલિન્ડર, રોકડ ઉપરાંત શંકાસ્પદ ચીજવસ્તુ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CO-3014 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.