ચકી બેન ચકી બેન મારી સાથે રમવા…..નાના ભૂલકાઓએ સરસ બાળગીત ગાઈને સંભળાવ્યું
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીના મોરબી જિલ્લાના કોયલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અન્વયે પધાર્યા હતા. કોયલી ગામની આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી.
આંગણવાડીની મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડી ખાતે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ બાળકોને આપવામાં આવતી તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે બાળકોને કેટલો સમય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, આંગણવાડી વર્કર તથા આશા વર્કર બહેનો દ્વારા બાળકોને કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, બાળકોના સારા આરોગ્ય માટે શું શું પગલાં લેવામાં આવે છે, તેમને શું શું વાનગીઓ બનાવીને ખવડાવવામાં આવે છે વગેરે પૃચ્છા કરી હતી. પોષણ ટ્રેકર લઈને તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું અને નબળા તેમજ ઓછા વજનવાળા બાળકો માટે શું પગલાં લેવામાં આવે છે તેની વિગતે માહિતી મેળવી હતી.
આઈસીડીએસ વિભાગના મોરબી ઘટકના સીડીપીઓશ્રી મયુરીબેન ઉપાધ્યાય તેમજ ગામના આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો દ્વારા શ્રી હેમંતકુમાર મીનાને આંગણવાડીની પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપવામાં આવી હતી.
ભૂલકાઓ સાથે તેમણે વાત કરી હતી. ભૂલકાંઓએ તેમની કાલીઘેલી ભાષામાં ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં.. ‘ બાળગીત ગાઈને સંભળાવ્યું હતું.