વૃદ્ધાશ્રમ સહિતના મોટી સંખ્યામાં વૃદ્ધોએ સ્કાય મોલ ખાતે મોટી સ્ક્રીનમાં અયોધ્યા ખાતેના ભગવાન શ્રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળી ધન્યતા અનુભવી
મોરબી : આશરે 500 વર્ષના લાંબા સંઘર્ષને અંતે આજે કરોડો હિન્દુસ્તાનીઓની ભગવાન શ્રીરામ પ્રત્યેની ઉડી શ્રદ્ધા અને ભક્તિ રૂપે અયોધ્યામાં ભગવાન રામલલ્લા બિરાજમાન થવાની ઐતિહાસિક ઘડી સાકાર થવાથી મોરબી જિલ્લા સહિત સર્વત્ર રામભક્તિનું મોજું ફરી વળ્યું છે. મોરબીમાં દરેક વિસ્તારો અને દરેક ગામે ગામ ભગવાન રામ પ્રત્યેની ભક્તિ દર્શાવવાના અનેકવિધ કાર્યક્રમો વચ્ચે સર્વધર્મ સમભાવ થકી દેશ ભાવનાને ઉજાગર કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે પણ આ ઐતિહાસિક પર્વની વૃદ્ધાશ્રમ સહિતના વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. જેથી મોટી સંખ્યામાં વૃદ્ધોએ અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળીને ધન્યતા અનુભવી હતી.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાણીતા મલ્ટીપ્લેક્સ સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે સમગ્ર દેશ માટે ઐતિહાસિક પર્વ સમાન અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાનો રામ પ્રત્યેની ભક્તિના અભૂતપૂર્વ પ્રસંગને લાઈવ એટલે જીવંત રીતે વૃદ્ધોને વિનામૂલ્યે દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને મોરબીના સ્કાય મોલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિતના અન્ય પણ મોટી સંખ્યામાં વૃદ્ધોને સ્કાય મોલ સિનેમામાં બેસાડી ભવ્ય સ્ક્રીનમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ દર્શાવ્યું હતું. આ વૃદ્ધોએ પણ ભગવાન શ્રીરામના ઐતિહાસિક પર્વને માણી જયશ્રી રામના નારા લગાવી ભગવાન રામનો જયજયકાર કર્યો હતો. તેમજ ભગવાન શ્રીરામના અભૂતપૂર્વ પ્રસંગને રૂબરૂ નિહાળવા અંગે પોતાની જાતની ભાગ્યશાળી ગણાવી હતી. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ શરુઆતથી જ અર્ધમને નાશ કરી ધર્મનું રક્ષણ કરવાનો સ્પષ્ટ ઉદેશ્ય રહ્યો હોય એ જ રીતે અમારા યંગ ઇન્ડિયા ગ્રુપનો પણ દરેક પ્રસંગની બીજા એટલે જેને જરૂરિયાત હોય તેવા લોકોને ખરા દિલથી ખુશીઓની ભેટ આપી અને એ બદલ એના ચહેરામાં રહેલી ખુશીની અમે અનુભૂતિ કરવી એ જ અમારો ઉદેશ્ય છે. વૃદ્ધોને ભગવાન રામના પ્રસંગને લાઈવ બતાવી તેમના ચહેરાની ખુશી જોઈને અમે તમામ ધન્ય બની ગયા છીએ.