તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉત્પાદિત પાકોનું વેચાણ કરી શકે તે માટે વેચાણ કેન્દ્રો ઉભા કરવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લાના વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા વહિવટી તંત્રને સુચના આપી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન ટંકારા ખાતે જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ આત્માના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર તેમજ પ્રાકૃતિક ખેતીને અપનાવવા પ્રોત્સાહન બાબતે બેઠક યોજી સમીક્ષા કરી હતી.
આ બેઠક દરમિયાન રાજ્યપાલaએ ઉપસ્થિત ખેડૂત આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેમજ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં નક્કર આયોજન ઘડવા જણાવ્યું હતું. જિલ્લામાં હાલ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ ખેડૂતોને તાલીમ આપી અન્ય ખેડૂતોને તેઓ તૈયાર કરી માર્ગદર્શન આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવી દર મહિને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બાબતે બેઠક યોજવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં દરેક તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના દ્વારા ઉત્પાદિત પાકોનું વેચાણ કરી શકે તે માટે અઠવાડિયામાં દિવસો નિયત કરી વેચાણ કેન્દ્રો ઉભા કરવા પણ જિલ્લા વહીવટી તંત્રને સુચના આપી હતી.
ઉપરાંત રાજ્યપાલaએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતિ પ્રસંગે યોજાનાર કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી અને ટંકારા નજીક ઋષિ સ્મારક નિર્માણાધીન છે એ સ્થળની પણ તેમણે મુલાકાત લીધી હતી.
ટંકારા હેલિપેડ ખાતે રાજ્યપાલનું આગમન થતાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા આર્ય સમાજના અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદાય આપવામાં આવી હતી.