સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૭૭૫ બાળકોને ‘સ્કૂલ ઓન વ્હીલ’
પ્રોજેક્ટ હેઠળ શિક્ષણનો લાભ અપાયો
‘સૌ ભણે સૌ આગળ વધે’ ના મંત્ર સાથે તમામને શિક્ષણ આપવા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન પૂજય અટલ બિહારી બાજપેઇએ વર્ષ ૧૯૯૭માં દેશમાં ‘સર્વ શિક્ષા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા ચાર જિલ્લાના અગરિયા કામદારોના બાળકોને ઓક્ટોબર થી એપ્રિલ સુધી શિક્ષણ આપવા ‘સ્કૂલ ઓન વ્હીલ’ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે તેમ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.
મંત્રીશ્રી ડિંડોરે પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે, કચ્છના અંજારમાં-૨ અને ભચાઉમાં-૩, મોરબીના હળવદમાં ૧ અને માળિયામાં ૨,પાટણના સાંતલપુરમાં -૧૦ તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં ૨૦ ‘સ્કૂલ ઓન વ્હીલ’ પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૮૯ બાળકો,વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૮૬ બાળકો એમ કુલ ૭૭૫ બાળકોએ આ યોજના હેઠળ શિક્ષણનો લાભ લીધો છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે કુલ
રૂ.૪ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાત એસ.ટી.ની બિન ઉપયોગી બસોમાં નવીન ફ્લોરીંગ, ગ્રીન સોલાર સિસ્ટમ, એલ.ઇ.ડી.સ્કીન, ઈન્ટરનેટ, પંખા-લાઇટ, બ્લેક બોર્ડ, ફાયર સિલિન્ડર, લખવાના પેડ તેમજ મધ્યાહન ભોજન સહિતની તમામ સુવિધા અગરિયાના બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાળકોને ટેકનોલોજી સહિતનું ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે બાયસેગના માધ્યમથી ચાલતી વંદે ભારત ચેનલ તેમજ જી શાળા એપનો પણ લાભ આપવામાં આવે છે તેમ,મંત્રી ડૉ. કુબેરભાઇએ ઉમેર્યું હતું.