મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને શુભકામના પાઠવી : શોભાયાત્રાનું સ્વાગત કર્યું.
દેશના વિવિધ પ્રાંતની આર્ય સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉત્સાહભેર જોડાયા.
વૈચારિક ક્રાંતિ – આર્ય સમાજના જનક અને મહાન સમાજ સુધારક આને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની તેમના જન્મસ્થળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ – જ્ઞાન જ્યોતિ પર્વની સ્મૃતિમાં આજે ત્રણ દિવસીય ઉજવણીનો પ્રારંભ થયો. ઉજવણીની શરૂઆતમાં ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, ટંકારા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળ ખાતેથી રાજકોટ રોડ પર આવેલ કરસનદાસજીના આંગણા સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવિકોએ યજ્ઞજ્યોત તથા સત્યાર્થ પ્રકાશ ગ્રંથ સાથે વાજતે ગાજતે કરસનદાસજીના આંગણા સુધી પ્રયાણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ સૌ અનુયાયીઓને શુભકામના પાઠવી હતી.
શોભાયાત્રામાં તમામ ઉંમરના હજારો ઋષિ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. દરેકના આકર્ષક વસ્ત્રો જેવા કે પાઘડી, ટોપી, ખેસ વગેરેથી સમગ્ર વાતાવરણ સુશોભિત થઈ ગયું હતું. દરેકના હાથમાં ધ્વજ અને સંસ્થાઓ અને સ્થળોના બેનરો હતા. જાણે વિશ્વભરમાંથી ઋષિભક્તો ટંકારા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્યએ જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના હજારો અનુયાયીઓ દેશ અને દુનિયામાંથી આવતા ત્રણ દિવસ ધ્યાન, તપ, યજ્ઞ કરવા અને મહર્ષિજીએ આપેલા શાશ્વત વિચારોને યાદ કરવા એકત્ર થશે. તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવું.
આ ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં તેઓ ભજન અને કીર્તન ગાતા આર્ય સમાજ પરિવારના સભ્યોમાં ઉત્સાહ અને લાગણીઓ ઉભી કરતા હતા.
શોભાયાત્રામાં ભારતના વિવિધ પ્રાંતની આર્ય સંસ્થાઓ સહિત ખ્યાતનામ ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, નગરજનો તથા વિશાળ સંખ્યામાં દેશભરમાંથી પધારેલા આર્ય સમાજના અનુયાયીઓ જોડાયા હતા.