ફોટો ગેલેરી, થીયેટર, પુસ્તક મેળો, વિશાળ રંગોળી, આકર્ષક રેત શિલ્પ, મહર્ષિનું જીવન કવન દર્શવતા ખંડો વિશાળ મૂર્તિઓ સહિતના આકર્ષણો નિહાળી મુલાકાતીઓ અભિભૂત
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ ની ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે.જેમાં દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ તથા ભાવિકો પધાર્યા છે અને ઉત્સાહભેર મહોત્સવ માં સહભાગી થયાં છે.ત્યારે મહોત્સવ સ્થળે નિર્મિત કરવામાં આવેલ કરસનજીના આંગણાને પણ અનેકવિધ આકર્ષણો થકી એટલું જ દિવ્ય અને ભવ્ય બનાવવામાં આવ્યું છે.મુલાકાતીઓ આ આકર્ષણો નિહાળી અભિભૂત થયાં છે.
રાજકોટ રોડ પર નિર્માણ કરવામાં આવેલ કરસનજીના આંગણા ખાતે અનેક મહાનુભાવોની મહર્ષિ સાથેની તસવીરો રજૂ કરતી ફોટો ગેલેરી, મહર્ષિની જીવની અને સંદેશ રજૂ કરતું થીયેટર, મહર્ષિ દયાનંદજી દ્વારા લિખિત પુસ્તકો સાથેનો પુસ્તક મેળો, વિશાળ રંગોળી, આકર્ષક રેત શિલ્પ, સહિત મહર્ષિનું સમગ્ર જીવન કવન રજૂ કરતાં આકર્ષક આકર્ષણો નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
અહીં 18 કલાકનો સમય લઈ 20 ટન રેતીમાંથી બનાવવામાં આવેલ મહર્ષિ દયાનંદજીનું રેત શિલ્પ ઓરિસ્સાના માનસકુમાર સાહુએ તૈયાર કર્યું છે.જ્યારે રાજકોટના અજંતા આર્ટ ગૃપ દ્વારા 7500 સ્કવેર ફૂટમાં પથરાયેલી વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં મહર્ષિ દયાનંદના જીવન આધારિત મન મોહક રંગોળી ચિત્રો પ્રસ્તુત કરવામા આવ્યા છે.20 થી વધુ સ્ટોલ ધરાવતાં પુસ્તક મેળામાં દિલ્હી, હરિયાણા, સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએથી પુસ્તક વિક્રેતાઓ નજીવા દરે પુસ્તકો ઉપલબ્ધ કરાવી રહ્યા છે.જ્યારે મહર્ષિનું જીવન કવન રજૂ કરતાં ખંડો તેમજ મહર્ષિ દયાનંદજીની મૂર્તિ તથા પ્રવેશદ્વાર પણ એટલાં જ આકર્ષક અને મનમોહન બનાવવામાં આવ્યા છે.