જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રો માટે પ્રતિબંધ ફરમાવવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તારીખ ૧૧/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન યોજાનાર .છે જે અન્વયે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ પ્રતિબંધાત્મક હુકમો કરવા અને અમલવારી કરવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અન્વયે મોરબી જિલ્લામાં 55 સ્થળોએ પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રની આસપાસના 100 મીટર વિસ્તારમાં પરીક્ષાના દિવસે પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સ્થળોની આસપાસ વિદ્યાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગા ન થાય તેમજ પરીક્ષા કાર્યમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવું નહીં, પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર ઉપર પ્રતિબંધ, પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા નહીં તેમજ નિર્દિષ્ટ વિસ્તાર આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરિતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ, ઓળખાત્ર દ્વારા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તેમજ કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.