મોરબી જીલ્લામાંશિક્ષણ ક્ષેત્રે શિરમોર ગણાતી પી.જી.પટેલ કોલેજની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. તાજેતરમાંજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી – રાજકોટ ખાતે ૫૮માં દીક્ષાંત સમાંરોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી રીશીકેશ પટેલ , રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા , સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુક્ત કુલપતિ મહોદયા ડો.નીલામ્બરીબેન દવે તથા યુનિવર્સીટીના અન્ય સતાધીશોની ઉપસ્થિતિમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને GOLD MEDAL (સુવર્ણ ચંદ્રક) અર્પણ કરવામાં આવ્યા હતા.
જે અંતર્ગત મોરબીના એક સામાન્ય પરિવારની દીકરી અને પી.જી. પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જશવંતી માલાભાઈ એ વાણીજ્ય વિદ્યાશાખા હેઠળ B.COM માં સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે GOLD MEDAL (સુવર્ણ ચંદ્રક) પ્રાપ્ત કરીને પોતાના પરિવાર, કોલેજ પરિવાર અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે અને સાથોસાથ નિષ્ણાંત અધ્યાપકોનું માર્ગદર્શન અને આયોજનબદ્ધ મહેનત દ્વારા કઈરીતે સફળ થઇ શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે ખાસ ઉલ્લેખનીય છેકે સોનાગ્રા જશવંતી માલાભાઈએ પોતાના B.COM ના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન ત્રણ ત્રણ વખત યુનિવર્સીટી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને હાલ પી.જી.પટેલ કોલેજમાં જ M.COM માં અભ્યાસ કરી રહ્યા છે.
આ અભૂતપૂર્વ અને અતુલ્ય સફળતા બદલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા, ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે વિધાર્થીનીને બિરદાવીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.