પ્રાકૃતિક ખેતીથી ૯૦ હજાર રૂપિયાનો ખર્ચ ઘટ્યો અને નફામાં ૫.૧૦ લાખ રૂપિયાનો થયો વધારો
કેરી સાથે વિવિધ પાકોનું ઉત્પાદન અને વેચાણ કરી મેળવી રૂ.૧૦ લાખથી વધુની બમ્પર કમાણી
હાલના સમયમાં વઘુ ખેત ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનાં વધુ પડતાં ઉપયોગ કરવાના કારણે માનવીનું સ્વાસ્થ્ય કથળતું ગયું છે. જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં જમીન પથ્થર જેવી થઈ જશે. પાણી પણ પીવાલાયક રહેશે નહી. બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા જીવલેણ રોગો વધતા જશે. આપણી આવનારી પેઢી માટે આપણે રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી મોરબી જિલ્લામાં પણ આત્મા પ્રોજેકટ અંતર્ગત અનેક ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામના ખેડૂત નરભેરામભાઈ ગામી જણાવે છે કે, હળવદ તાલુકો એટલે મુખ્યત્વે વરસાદ આધારીત. ક્યારેક વધારે વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ અને આવી પરિસ્થિતિમાં રાસાયણિક ખેતીના વિકલ્પે પ્રાકૃતિક ખેતી એક પડકાર કહેવાય. પરંતુ ઘણા સમયથી વિચાર આવતો હતો કે, જો આમને આમ ખેતી કરશુ, તો ખેતીકામમાં હવે કાંઈ નફો મળશે નહી. રાસાયણિક ખેતીમાં મોટાભાગના રૂપિયા રાસયણિક ખાતર તેમજ જંતુનાશક દવામાં જ જતા રહેતા. રાસયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી અમારી જમીન એકદમ બિનઉપજાવ બની ગઈ જેના લીધે પાક ઉત્પાદન ઘટવા લાગ્યુ અને ખર્ચ વધવા લાગ્યો. પરિણામે નફાનો ગાળો ઓછો રહેવા લાગ્યો. ખેતીમાં જમીન બિન ઉપજાવ બની ગયેલ હોવાથી આવક ઓછી અને ખર્ચ વધવા લાગ્યો હતો.
હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૪ વર્ષથી જોડાયેલો છુ. આત્મા પ્રોજેકટ દ્વારા ગોઠવવામાં આવેલ પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ભાગ લીધો ત્યારે જ નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી જ કરવી છે. ત્યારબાદ યુ-ટ્યુબમાં પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતોના વીડિયો જોતો તેમ વધારે વિશ્વાસ આવવા લાગ્યો પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આત્મા પ્રોજેકટ દ્વારા જૂનાગઢ ખાતે ગોઠવેલ કૈવલ્ય સ્વરૂપ સ્વામીની ત્રણ દિવસની તાલીમ લીધી હતી.
આજથી ત્રણ વર્ષ પહેલા મારા ખેતરમાં આંબા વાવેલા હતા ત્યાંજ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. સૌ પ્રથમ આંબામાં જીવામૃતની શરૂઆત કરી અને જમીન પોચી થવા લાગી. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી ૬ એકર આંબામાં શરૂઆત કરી. જમીનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો તથા પુર્તી ખાતર માટે જીવામૃત તથા ઘન જીવામૃત વાપર્યું હતું. ઉપરાંત ખેતરમાં લીંબોડીનો ઉપયોગ કર્યો. નિંદામણ નિયંત્રણ માટે આંતર ખેડ તથા હાથથી નિંદામણ કર્યું. આંબાની સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી. જીવામૃત તથા ઘન જીવામૃતના ઉપયોગથી અળસિયાની સંખ્યામા વધારો થવાથી જમીનની નિતાર શક્તિમાં વધારો થયો. જેથી પાણીની સારી એવી બચત થવા લાગી તેમજ જમીનમાં સુધારો થવા લાગ્યો અને ફળદ્રુપતામાં વધારો થવા લાગ્યો. હાલ પ્રાકૃતિક ખેતી દ્વારા શુદ્ધ આહાર મળી રહે છે. ખેતી કાર્ય તેમજ વેચાણમાં મને મારો પુત્ર વિપુલ ગામી મદદ કરે છે. અમે અમારી કેરીનું વેચાણ શિવપુરની ‘ગામી ફાર્મ’ની ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક કેસર કેરી તરીકે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરીને ડાયરેક્ટ ગ્રાહકોમાં જ વેંચાણ કરીએ છીએ.
વધુમાં નરભેરામભાઈ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ૬ એકર જમીનમાં આંબા, અને સીતાફળ પાક લઉ છું. મને કેમિકલના ઉપયોગથી ખેતીની આવક- ૮,૪૦,૦૦૦ રૂ. અને ખર્ચ- ૩,૦૦,૦૦૦ રૂ. થતો જ્યારે નફો- ૫,૪૦,૦૦૦ રૂ. મળતો પરંતુ પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ખેતીની આવક ૧૨,૬૦,૦૦૦ રૂ. અને ખર્ચ ૨,૧૦,૦૦૦ રૂ. નો થતો જ્યારે નફો ૧૦,૫૦,૦૦૦રૂ. મળતો થયો.
ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકાના શિવપૂર ગામમાં ‘ગામી ફાર્મ’ માં પિતા અને પુત્ર બન્ને સાથે મળી પ્રાકૃતિક ખેતી અપનાવી માતબર નફો મેળવી રહ્યા છે. મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ નરભેરામભાઈ ગામી કરી રહ્યા છે.