૧૦મી ઓગષ્ટના રોજ દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઈ સિંહો ગુજરાત અને ગીરનું ગૌરવ છે. આ એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામરૂપે સિંહોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં વધુ અને વધુ સહયોગ મળી રહે તે માટે લોકજાગૃર્તિના ભાગ રૂપે વન વિભાગ દ્વારા શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું જણાવેલ. જે અંતર્ગત માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિંહના માસ્ક પહેરી તેમજ બેનરો સાથે રાખી મહારેલીનું આયોજન કર્યું હતું. અને આ રેલી દરમ્યાન સિંહોના ઇતિહાસ અને સંવર્ધન અંગેની માહિતીની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.