Tuesday, May 20, 2025

તિરંગા યાત્રામાં મોરબીના માર્ગો પર હજારો લોકોએ ગર્વભેર લહેરાવ્યો તિરંગો; પોલીસના જવાનોના ૧ હજાર ફૂટ લાંબા તિરંગાએ જમાવ્યું આકર્ષણ

Advertisement
Advertisement
Advertisement

*મોરબીમાં જિલ્લાકક્ષાની યોજાયેલી તિરંગા યાત્રામાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ*

*તિરંગા યાત્રામાં જોમ, જુસ્સાથી જોડાયા જિલ્લા વાસીઓ; યાત્રાને નિરખવા માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા*

*મોરબી બન્યું તિરંગામય; જિલ્લા વાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી*

હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢે બનાવવાના હેતુથી મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની હર ઘર તિરંગા યાત્રા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી.

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.

સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૧ હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા, જેથી યાત્રામાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા અને આ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોરબી જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.

મોરબીના નગરજનો આ યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા. ‘સબ સે પ્યારા તિરંગા હમારા’ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી, ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા મોરબીના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા અને સૌને તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું. યાત્રા દરમિયાન મહાનુભાવોએ નગરપાલિકા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. શનાળા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને મહાનુભાવોએ પુષ્પહાર અર્પણ કરી યાત્રાની પૂર્ણાહુતિ કરાવી હતી.

આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW