તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે બનેલી ઘટનામાં બન્નેના મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સરપંચ મહેશભાઈ લિખિયા એ તાત્કાલિક તંત્રનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી બન્નેના મૃતદેહ શોધી કાઢ્યા છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સનાલિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાલિયા તળાવમાં ગરક થયા હતા. ઘટનાની જાણ ગામના સરપંચ મહેશભાઈ લિખિયા ને થતા તાત્કાલીક ટંકારા પોલીસ અને ડિઝાસ્ટર ને જાણ કરી મોરબી ફાયર બ્રિગેડને બોલાવતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂ કરતાં પ્રથમ પ્રવિણભાઈ નરસીભાઈ સનાળીયા (ઉ.વ. 45)ની લાશ મળી આવી હતી અને બાદમાં પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.