મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સીએમ ને પાત્ર લખી રજૂઆત કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં ડ્રગ્સ, દારૂ, કેફીપદાર્થો, ખનીજ ચોરી, વ્યાજખોરી, મર્ડર માત્રને માત્ર સામાન્ય બની ગયેલ છે. સામાન્ય જનતા તથા ખેડુતો ઉપર ખુલ્લેઆમ અન્યાય-અત્યાચાર થઈ રહયો છે. તેવામાં પોલીસ તંત્ર લુખ્ખા તત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. ખેડુતોની કાળજા સમાન જમીનો ઉપર પ્રાઈવેટ કંપનીઓના હકકના કારણે ખેડુતો ન્યાય માટે વલખા મારી રહયા છે.
સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૬૫ કે.વી. લાકડીયા–અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહયું છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય વળતર ચુંકવ્યા વિના કરવામાં આવી રહેલ કામમાં ખેડુતો ઉપર અન્યાય કરવામાં આવી રહયો છે. જેથી ખેડુતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલીક ધોરણે અટકાવવા વિનંતી છે.
જો આ કામ તાત્કાલીક ધોરણે દિન-૩ માં અટકાવવામાં નહી આવે તો નાછુટકે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ ખેડુતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેમાં ઉપસ્થિતિ થનાર તમામ પરીણામોની જવાબદારી આપની રહેશે.
આ આંદોલનમાં કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય પીરજાદા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોજભાઈ પનારા, મોરબી જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી-માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ ડો.રાણા તથા માળીયા તાલુકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો આ આંદોલનમાં જોડાશે.