કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓએ ગામડાઓમાં તલસ્પર્શી નિરીક્ષણ કરી ખૂટતી સુવિધા અને મુશ્કેલીઓનું મુલ્યાંકન કર્યું
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ચિંતન શિબીરમાં ઉપસ્થિતિ સાથે તેમની સુચનાથી જિલ્લાના અધિકારીઓએ પ્રજાલક્ષી અભિગમ દાખવ્યું
જિલ્લાના દરેક નાગરિક સુધી પ્રાથમિક સુવિધાઓની સુલભતા સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર પ્રયત્નશીલ
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ જ્યારે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજા કલ્યાણકારી પ્રવૃતિઓ ચાલુ રહે તે માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ પણ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લાના ૩૨ અધિકારીઓ દ્વારા ૧૯ ગામડાઓની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત અન્વયે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારના ૧-૧ ગામની મુલાકાત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ મળી મોરબી તાલુકાના ૫, માળીયા તાલુકાના ૩, ટંકારા તાલુકાના ૩, વાંકાનેર તાલુકાના ૪ અને હળવદ તાલુકાના ૪ મળી કુલ ૧૯ ગામડાઓની મુલાકાત કરવામાં આવી હતી.