: કોઈના દુઃખના આસું હર્ષમાં ફેરવી શકીએ તો સમજવું કે ધરતી પરનો આપણો ફેરો વસુલ
આમ તો જન્મદિવસ આવે એટલે જીવનનું એક વર્ષ ઓછું થયું ગણાય. પણ એ જન્મદિવસે આપણે કેટલું જીવ્યા ? કેવી રીતે અને કોને કોને ઉપયોગ થઈને જીવ્યા ? તેના સંસ્મરણો વાગોળવામાં આવે છે.ખાસ કરીને જન્મદિવસે દરેક માણસને મિત્રો,કુટુંબીજનો શુભેચ્છાઓનો ધોધ વરસાવતા હોય છે. ત્યારે મને કરસદાન માણેકની એક પ્રેરણાદાયી કાવ્ય પંકિત યાદ આવે છે કે ” જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો.” કહેવાનો તાંતપર્ય એ છે કે, આપણું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી જાતે જ બળીને બીજાને સુગંધ આપે છે. એજ રીતે આપણે એક માણસ તરીકે બીજાને ઉપયોગી થઈને જીવન જીવીશું તો આપણા જીવનમાં કોઈ ભય, ચિંતા નહિ રહે. આજ પવિત્ર ધ્યેય સાથે જ્યારથી હું સમાજણો થયો ત્યારથી જ જીવનની સફર એક પોઝીટીવ ઉર્જા સાથે શરૂ કરી.જેનું પરિણામ આપ સહુની નજર સામે છે.
હું યુવા વયે પ્રબળ દેશભાવના સાથે પોલીસ દળમાં જોડાયો, પોલીસની નિષ્ઠાપૂર્વક ફરજ સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ શરૂ કરું. યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા પણ સ્પષ્ટ હતી. જો કે આપણે લશ્કરી જવાનની જેમ બોર્ડર ઉપર લડીને દેશસેવા ન કરી શકીએ તો પણ એક આદર્શ નાગરિક બનીને પણ દેશસેવા કરી શકીએ છીએ, આજ યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા છે. આજના યુગમાં આદર્શ નાગરિક બનવું પણ કઠિન છે.ખાસ કરીને આજની ભગદોડ ભરી જીવનશૈલીમાં આપણે પરિવાર માટે પણ બે ઘડી ટાઈમ કાઢી શકતા નથી ત્યારે સમાજને ઉપયોગી થવાની વાત તો બાજુએ રહી.પણ જીવનમાં ઉત્સવો ઘણા આવે છે. જીવનની રોજબરોજની ઘટમાળમાંથી પણ ટાઈમ કાઢીને આપણે જાત જાતના ઉત્સવો ઉજવીએ છીએ. બસ આજ ઉત્સવોને યંગ ઇન્ડિયા ગ્રુપે નવીન પરિપરાથી ઉજવવાની પહેલ કરી.જેમાં સર્વધર્મ સંમભાવની વિચારધારાને જોડી દેવામાં આવી, નાત જાતના બંધન ઉપર ઉઠીને માત્ર ઇન્સાનીયતને ઉજાગર કરવી. યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક ઉત્સવોને માત્ર જરૂરિયાત મંદ માણસોને ઉપયોગી થાય અને એમના ચહેરા ખુશીથી ખીલી ઉઠે એ રીતે ઉજવ્યા, કહેવાય છે ને કે “હમ ચલતે ગયે ઓર કાંરવા બનતા ગયા” ની જેમ આજે ઘણા લોકો યંગ ઇન્ડિયાની આ વિચારધારાથી પ્રભાવિત થઈને ઉત્સવોને ધન્ય બનાવી દીધા. આજે યંગ ઇન્ડિયા ગ્રુપ માત્ર મોરબીનું જ નહીં પણ ઘણા શહેરોનું રોલ મોડેલ બની ગયું છે એ વાતનું મને આજે મારા જન્મદિવસે વિશેષ ગૌરવ છે. આજે જન્મદિવસે હું મારા કર્મને લીધે એક આદર્શ નાગરિક બની શક્યો એ વાતનું મને ગૌરવ છે. – યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી