રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમના ડૉ.વિપુલ કાનાણી અને પાઈલોટ શ્રી ભરતભાઇ કરમટા દ્વારા અનેક ઈજાગ્રસ્ત પશુ-પંખીઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી અને તેમને નવજીવન આપવામાં આવ્યું હતું. પતંગની ઘાતક દોરીથી નિર્દોષ પશુ પક્ષીઓ, નાગરિકો ન ઘવાય તે માટેની સાવચેતી કેળવાય તેથી તમામ નાગરિકોને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
કરૂણા અભિયાન દરમિયાન અબોલ જીવો જે પતંગના દોરાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય તેની ખાસ સારવાર કરવામાં આવે છે.
આગામી તારીખ ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ કરૂણા અભિયાનમાં જો કોઈપણ નાગરિકને ક્યાંયપણ અબોલ જીવો કરુણ અવસ્થામાં જોવા મળે તો નિ:શુલ્ક હેલ્પલાઇન નંબર ૧૯૬૨ માં ફોન કરી તેમનો જીવ બચાવવા મોરબી જિલ્લા ૧૯૬૨ પ્રોજેક્ટ મેનેજર શ્રી ડૉ. સોહેબ ખાન અને મોરબી જિલ્લા ૧૯૬૨ પ્રોજેક્ટ કૉ-ઑર્ડિનેટર જૈમિન પાટિલ દ્વારા સર્વે મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.