મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ…
ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે,જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે… આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.ભારતીય સંસ્કૃતી માં રાષ્ટ્રને દેવ ગણવામાં આવે છે. ક્રાંતિકારીઓ વીરોના લોહી વહ્યા બાદ આઝાદી પ્રાપ્ત થઇ છે.આઝાદીના પાયામાં રાષ્ટ્રવીરોના વધેરાઇ ગયેલા લીલા માથા ધરબાયેલા છે.તેઓની કલ્પનાને શોભે તેવા ભારત નિર્માણની જવાબદારી આપણી છે. આજે ભારતમાતા માથાં નથી માંગતા, લાગણી માંગે છે. રાષ્ટ્રહિતની વૃત્તિ-દૃષ્ટિ કેળવાય તે આ યુગની મોટી ક્રાંતિ ગણાશે.આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ. વતનની ભૂમિને ગૌરવ થાય તેવા નાગરિક આપણે બનીએ ..પ્રજાસત્તાક દિવસ નિમિતે નેતાઓ અને લોકોના હૈયે દેશપ્રેમની ભરતી આવશે અને તેની વાણીમાંથી પ્રેમ ઓવરફલો થશે.ધ્વજવંદન થશે, ભાષણો ઝીંકાશે, મનોરંજન જેવા કાર્યક્રમો યોજાશે અને બીજા દિવસે ફરીથી બધાંમાં દેશપ્રેમની ઓટ આવી જશે. આને દેશપ્રેમ ન કહેવાય, દેખાડો કહેવાય. દેશભકિત માટે માત્ર ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી નથી, પ્રત્યેક નાગરિકના જીવનની ક્ષણ-ક્ષણ દેશભકિતથી રંગાયેલી હોવી જરૂરી છે, પણ આપણો દેશ અભિનેતા. અભિનેતીઓનો દેશ બન્યો છે. માત્ર નેતાઓ જ નહિ,મોટાભાગનાં લોકો પણ દેશભકિતના નામે નાટક કરતા હોય તેમ લાગે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, રાજા તેવી પ્રજાએ નિયમ રાજાશાહીમાં લાગુ પડે છે. લોકશાહીમાં લોકો તેવા નેતાનો નિયમ હોય છે. થોડી લોક જાગૃતિ પણ મીંઢી ગણાતી નેતાગીરીને થર-થર ધ્રુજાવી દે છે. વિચાર તો કરો-આઝાદી આવી ત્યારે ગરીબી પ્રથમ મુદ્દો હતો. આજે પણ ગરીબીની જ વાતો થાય છે !ટેકનોલોજીમાં થોડી પ્રગતિ થઇ, પણ કરોડો ભારતીયોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, પૂરતો-પોષણક્ષમ આહાર મળતો નથી, રહેવા નાનું ઘર પણ નથી,અન્ય પ્રાથમિક સુવિધા માટે આમજન ઝઝૂમે છે. લોકશાહીમાં લોક જાગૃતિ જ નેતાગીરીને જાગૃત કરી શકે છે. લોકો રાષ્ટ્રભકત બને તો નેતા-નેતીઓએ અનિવાર્યપણે દેશભકત બનવું પડે. લોકોએ ખરાઅર્થમાં પ્રજાસત્તાક દિન ઉજવવો હોય તો વ્યાપક જાગૃતિ જરૂરી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સન્માન આપણે મેળવી રહ્યા છીએ. વતનનું ગૌરવ હોય એ સ્વાભાવિક છે,પરંતુ ગૌરવ તકલાદી ન હોવું જોઇએ… વિશ્વની સૌથી મોટી લોકશાહી વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી બને તેવી તેવી ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ… ગણતંત્ર દિવસ ના અભિનંદન…જયહિન્દ.- ડો.દેવેન રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી)