મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે. જેના અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર અર્થે જાહેરાતો રાજકીય પક્ષ, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી, ઉમેદવારોના ટેકેદારો તરફથી ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી પ્રસારણ, સ્થાનિક કંટ્રોલ રૂમથી, ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય, આંતરરાષ્ટ્રીય, એએમ અને એફએમ રેડિયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક વિનિયમો નિયમો-૧૯૯૪ અમલમાં છે.
જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહીં. તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા-નિર્દેશ કરતી હોવી જોઈએ નહીં તેવી જોગવાઈ છે. આ ઉપરાંત નૈતિકતા અને સુરુચિના ધોરણોનો ભંગ કરતી કોઈપણ રાજકીય જાહેરાતનું પ્રસારણ કોઈપણ ટીવી, ચેનલ, કેબલ કે રેડિયો ઓપરેટર કરી શકતા નથી.
ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પક્ષ, સંસ્થા, ઉમેદવારની તરફેણ કે વિરુદ્ધ કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરુદ્ધ કોઈપણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તમામ કામગીરી પર નિયંત્રણ રાખવા માટે જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. બીજી કોઈ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. આવી જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની કમિટીને કરવાની રહેશે.
આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઈન્સર્શન્સની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઈન્સર્શન્સ માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે રેડિયો, ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.
આ ઉપરાંત જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યક્તિએ આપી હોય તો તે વ્યકિત સોગંદ પર જાહેર કરશે કે, તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી તેવી સ્પષ્ટતા કરવાની રહેશે. તેમજ બધી ચુકવણી એકાઉન્ટ પેઈ-ચેકથી કરવામાં આવશે એવી કબુલાત કરવાની રહેશે. તેમજ ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગ્લસ, ઈન્સર્શન્સ, બાઈટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસનું પ્રસારણ થઈ શકશે નહીં.
તેમજ ચૂંટણી કામગીરી માટે નિયુકત મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે. કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯પ તે હેઠળના નિયમો હેઠળ તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સતા આપવામાં આવે છે.
આ જાહેરનામું આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.