સમગ્ર દેશમાં ખેડૂતો અને રાજ્યમાં ૫૮ લાખથી વધુ ખેડૂતોને આજરોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અન્વયે આર્થિક સહાય અર્પણ કરાઈ
ખેડૂતો થકી જ ભારતનો વિકાસ આગળ વધશે તેથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાયનો લાભ મેળવે : કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી હંસાબેન પારેઘી
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત ખેડૂતનો સંકલ્પ પણ આવશ્યક છે : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી
તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિહાર રાજ્યના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં ખેડૂતો અને રાજ્યમાં ૫૮ લાખ ખેડૂતોને આજરોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અન્વયે આર્થિક સહાય અર્પણ કરાઈ હતી.
દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯ મો હપ્તો રિલીઝ કરવાના અનુસંધાને આજરોજ મોરબી તાલુકામાં આવેલ ગોરખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન નિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવાની સાથે પ્રતિકરૂપે ૧૫ લાભાર્થી ખેડૂતોને ૭,૩૪,૦૦૦ રૂપિયાના સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ખેડૂતો થકી જ ભારતનો વિકાસ આગળ વધશે. તેથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાયનો લાભ મેળવે તે ઇચ્છનીય છે. ખેડૂતો એ ભારતનો વિકાસનો આધારસ્તંભ છે. આજના વર્તમાન સમયમાં પ્રોસેસ્ડ ફૂડ અને કેમિકલયુક્ત ખેતપેદાશોનું વેચાણ ઉત્પાદન સતત વધતું જાય છે. ત્યારે સુપર ફૂડ એવા મિલેટસની ખેતી વધુ પ્રમાણમાં થાય અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે સમયની માંગ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અને મિલેટસની ખેતી વધુ પ્રમાણમાં થાય તે માટે ખેડૂતોને ખુબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણા વડવાઓ અને કુટુંબીજનોનો વર્ષો પહેલાનો વ્યવસાય ખેતીવાડીનો જ રહેલો છે. આધુનિક સમયની સાથે ખેડૂતો પણ આધુનિક બને તે સમયની માંગ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત ખેડૂતનો સંકલ્પ પણ આવશ્યક છે. આજે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ સૌથી મોટી ડાયરેક્ટ ટુ બેનીફીશયરી સ્કીમ બની ચુકી છે. કિસાન કલ્યાણ એ જિલ્લા વહીવટી મુખ્ય પ્રાથમિકતા છે. કાર્યક્રમમાં વિષયને અનુરૂપ ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક કૃષિ, રાસાયણિક ખાતરની વિવિધ માહિતી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.