જિલ્લાના પદાધિકારીઓએ વહીવટી તંત્રની જનહિતકારી કામગીરીની સરાહના કરી
મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્યઓ દ્વારા રાજકોટ – મોરબી રૂટમાં બસની સંખ્યા વધારવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં કોઈ અધિકારીઓ નાંણાકીય ઉચાપાત ન કરે તથા સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત પર ભાર મૂકી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીઓ દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે મચ્છુ-૨ ડેમના દરવાજા રીપેર કરવા બાબતે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લાના પદાધિકારીઓએ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી બાબતે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાહિત તેમજ જનકલ્યાણકારી કામગીરીની પણ સરાહના કરી હતી.