આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાસભર સેવાઓ અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તર થકી મોરબીના આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્ર્રીય કક્ષાનું સન્માન
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પાંચ આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ આગવી સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુષંધાને વાંકાનેર તાલુકાના સિંધાવદર – ૯૩.૩૭%, વાલાસણ – ૯૧.૧૩%, લાકડધાર – ૯૦.૭૭%, વાંકિયા – ૮૮.૦૮% અને કાછિયાગાળા – ૮૭.૮૧% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર અને વાંકાનેર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.આરીફ શેરશિયા તથા મેડિકલ ઓફિસર્સ ડો.આશિષ સવસાણી, ડો.મહેશ ડાભી, ડો.પુષ્પરાજસિંહ જાડેજા અને ડો.શાહિના અંસારી તથા આયુષ્માન આરોગ્ય મંદિરોના તમામ સ્ટાફ્ને આ સિદ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી આ પ્રકારના ગુણવતાના માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે તમામ સ્ટાફને શુભેચ્છઓ પાઠવીને જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ આરોગ્ય કેન્દ્રો આ સ્તર સુધી પહોંચે તે માટે કાર્ય કરવા માટે પ્રતિબદ્ધતા વક્ત કરી છે.
આ બાબતે મોરબી જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધી આરોગ્ય કેન્દ્રોમાં સારા સંચાલન, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણીત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે.