કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન અને વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ભાયાણીના રાજીનામાના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી
ભારતના ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૨૬ મે, ૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન તથા તા.૨૩ જૂન, ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક-એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ગુજરાતની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૨૪ – કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭ – વિસાવદર વિધાનસભા બેઠક માટે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે તા.૨૬ મે, ૨૦૨૫ થી તા. ૦૨ જૂન, ૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા. ૨૫ મે, ૨૦૨૫ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે.
ગત તા. ૦૫ મે, ૨૦૨૫ ના રોજ તા.૦૧ એપ્રિલ, ૨૦૨૫ ની લાયકાતવાળી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ મતદાર યાદીની સતત સુધારણા મુજબ હાલની સ્થિતિએ મહેસાણા જિલ્લાની ૨૪-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૪૯,૭૬૦ પુરુષ, ૧,૪૦,૦૯૨ મહિલા અને ત્રીજી જાતિના ૦૪ મળી કુલ ૨,૮૯,૮૫૬ મતદારો નોંધાયા છે. જ્યારે જુનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૩૫,૬૦૯ પુરુષ, ૧,૨૫,૪૭૯ મહિલા અને ત્રીજી જાતિના ૦૪ મળી કુલ ૨,૬૧,૦૯૨ મતદારો નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાનથી તથા વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ભાયાણીના રાજીનામાના કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.