ધારાસભ્ય દુર્લ્લભજીભાઇ દેથરિયા અને મોહનભાઇ કુંડારિયા સાથે એસોસિએશનના પ્રમુખ મનોજભાઇ એરવાડિયા, હરેશભાઇ બોપલિયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સીએમ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મોરબી સિરામિક ઉદ્યોગને લાગતા વિવિધ મહત્વના પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં ઊંચા જંત્રી દરોને કારણે જુના યુનિટોના લે-વેચમાં ઊભી થતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ બાબતે હકારાત્મક અભિગમ દર્શાવી તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી હતી.
હાલ સિરામિક ક્લસ્ટરમાં કુલ ૫૫ ઇન્ટરનલ રોડ તૈયાર થઈ ચૂક્યા છે, જે આશરે ૪૦૦ કરોડના ખર્ચે અને લગભગ ૯૦ કિલોમીટર લંબાઈમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટકાઉ સીસી રોડ તરીકે બનાવાયા છે. આ કામગીરી બદલ એસોસિએશન દ્વારા સંબંધિત અધિકારીઓને બિરદાવવામાં આવ્યા. સાથે સાથે બાકી રહેલા ૧૫૩ સીસી રોડને વહેલી તકે મંજૂરી મળે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી, જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ ફાઇલને તાત્કાલિક વર્ક ઓર્ડર આપવા અંગે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
ઉપરાંત, મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમિયાન સ્વચ્છતા બાબતે આપેલા માર્ગદર્શનનું સ્મરણ કરાવી સિરામિક ક્લસ્ટરમાં રોડ સફાઈ માટે ૬ રોડ-સ્વીપર ટ્રકોની માંગણી કરવામાં આવી હતી. આ દરખાસ્ત બાબતે પણ મુખ્યમંત્રીએ ત્વરિત અને હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.





